…. આમ તો હું એક સાદો કેરોસીનના ઈંધણવાળો એક પ્રકારનો ચૂલો જ.પણ આપણી ભારતીય પરંપરા મુજબ કોઈ એક બ્રાન્ડ નામજ પાછળ જતા એ વસ્તુની પરંપરાગત ઓળખ બની જાય એમ મારી સાથે પણ થયુ. ઘર ઘરમાં ‘પ્રાઈમસ’ જ મારી ઓળખ થઈ ગઈ.આ એ સમય હતો જ્યારે L.P.G. ગેસ સિલિન્ડર ઘરમાં હોવુ એક લક્ઝરી ગણાતી.મોટાભાગના મધ્યમ વર્ગના રસોડાની હું જીવાદોરી હતો.મીલના ભૂંગળામાં નીકળતા ધૂમડા અને સમયસૂચકતાના સાયરનથી દરેક ઘરની સવાર થતી.વેહલી પરોઢે ઉઠતા વડીલની ચા,કામે જવા તૈયાર થતા કામદારના ટીફીન અને શાળાએ જતા બાળકોના નાસ્તાની તૈયારીમાં લાગી જતી ગૃહિણી જ્યારે આગ પેટાવવા મારી કેરોસીન ભરેલી પીત્તળની ટાંકીમાં પંપ મારાતી ત્યારી એ પંપના એક રીધમમાં લાગતા ખટાકા અને ગૃહિણીના હાથમાં કાચની બંગડીઓ એકબીજાથી ભટકાઈને ઉભરાતા સંગીતના સમન્વયથી મોટાભાગના ઘરના રસોડા સવારે ગુંજી ઉઠતા.

મારા ઈંધણની પણ અલગ કહાની હતી.ત્યારે રેશનકાર્ડ પર મહિને પરીવાર દીઠ દશ લીટર ફ્રિસેલ સફેદ કેરોસીનની મળવા પાત્ર જોગવાઈ હતી.”ધારા” સીંગતેલના પીળા કેરબા તેલ ના લાવતા હોય તેવા ઘરમાં પણ માત્ર કેરોસીન લાવવા માટે જોવા મળી જતા.જાણે કે કેરોસીન લાવવા માટેનો એ એક માત્ર સરકાર પ્રમાણીત કેરબો હોય એવો એનો રુઆબ અને ઠસ્સો હતો.રેશનની દુકાનમાં એકસરખા પીળા કેરબાની લાંબી લાંબી કતારો સર્વસામાન્ય અને મધ્યમ વર્ગના જીવનનુ અભિન્ન અંગ હતુ.કેરોસીનનો હદ બહાર કાળા બજાર થતુ. પેટ્રોલની અવેજીમાં રીક્ષા,સ્કૂટરમાં કેરોસીન બેફામ ઉપયોગ થતો.જે પ્રદૂષણનુ સૌથી મોટી એપીસેન્ટર બની ચુક્યુ હતુ. પછીથી એને ખાળવા સરકારે ફ્રિસેલની જગ્યાએ જાંબોડીયા રંગનુ નવુ કેરોસીન અમલ મુક્યુ.હવે મારી ટાંકી સફેદની જગ્યાએ જાંબોડીયા કેરોસીન પીતુ.

તેહવારોમાં હું ઓવરટાઈમ કરતો મારી ઝાળ પર દિવાળીનો દૂધપાક પણ બનતો અને પુરી પણ.મખમલી માજૂમ પણ બનતો અને મોહનથાળ પણ.સક્કરપારા,ચેવડો, ઘૂઘરા,શિયાળાના અડદિયા બનતા તો દેશી રીંગણનો ઓળો અને બાજરીના રોટલા પણ બનતા. પરીવારનો મોભી કામેથી આવાતો અને આખો પરીવાર સાથે જમતો.એ જોઈ આખા દિવસનો થાક ભૂલી અંતરથી હરખાતો.કોઈ કોઈ ઘરમાં મને દિવસો સુધી ઉપયોગમાં ના લેતા.મારી ખાલી ટાંકીમાં ઈંધણ જેટલો જ ખાલીપો એમના પેટમાં પણ દેખાતો.કેટલીય વાર એ મારી ખાલી ટાંકીને જેમ ખાલી પેટેજ સૂઈ જતા.ઘરના બાળકોના ભૂખથી આંખમાં આવેલા આંસુ ગાલ સુધી પોંહચી સુકાઇને નિશાન છોડી જતા.એ નિશાન જોઈ મારુ કાળજુ કંપી જતુ.હું લાચાર હતો. છેવટે તો હું હતો એક નિર્જીવ સાધન જ ને.

ક્યારેક હું પણ ખોટકાતો.બીમાર પડતો.અમારા એક સ્પેશીયલ ડૉક્ટર આવતા. “પાઈમસ રીપ્પેર” નો શેરીમાં સાદ પડતો અને એ સાઈકલ લઈને આવતા ડૉક્ટરને મહિલાઓ વિંટળાઈ વળતી.અલગ અલગ બીમારીની અલગ અલગ દવા એ ડૉક્ટર કાળજી અને ચીવટથી કરતા.મારા ત્રણ પગ માંથી એકાદો પગ તુટ્યો હોય તો એને ચીવટથી સાંધતા.મારા બર્નરમાં આવેલા લવીંગને બદલતા તો ક્યારેક પંપના ઢીલા થઈ ગયેલા વાયસરને. બર્નરની વાટકી તુટતી કે ઉપરની બંગડી એ તરત બદલી આપતા.હવાના દબાણને એડજેસ્ટ કરવાની ચાકી પણ બદલતા. તો લવિંગમાં ફસાયેલા કચરાને કાઢવાની નવી પીન પણ વેંચતા.ભાવ-તાલ થતો. કાયમના ગ્રાહક હોવની દુહાઈઓ આપી રકઝક કરી પૈસાની કરકસર કરવામાં ઘરની સ્ત્રીઓની માસ્ટરી હતી.હું બીમાર પડતો અમે વાસણ કાળા કરતો ત્યારે ઘરની સ્ત્રીઓના રોષનો ભોગ પણ બનતો.પણ એ મારી કાળજી પણ લેતી. આમલી, લીંબુથી ઘસી ઘસીને મને ધોઈ સોના જેવો ચમકાવતી પણ ખરી.

સમય સાથે હું પણ અપડેટ થયો. હવે પીત્તળના આવજ કરતા એ પંપવાળા સ્ટવ માંથી હું સુતરાઉ દિવેટ વાળા શાંત અવતારમાં પરિવર્તીત થયો.પેહલીવાર મારુ ઘરમાં આગમન થયુ એટલે ઘરના સભ્યોએ મને હોંશે હોંશે વધાવ્યો. કંકુ ચોખા સાથીયાથી મને પોંખ્યો.મોટેરાઓ કાળજીપૂર્વક મારી દિવેટ પોરવતા અને એને કૂતુહલથી જોવા ઘરના ભૂલકાઓ મારી ફરતે વિંટળાઈ વળતા.માળામાં મણકા પોરવે એમ નાજુકતાથી એક એક દિવેટ પોરવાતી. એને કેરોસીનમાં પલાળી તૈયાર કરવામાં આવતી.સાઈડમાં આપેલી સ્ટોપરથી ઉંચી નીચી કરી બરાબર ચાલે છે કે નહી તે જોવામાં આવતુ.હવે સવારે પંપ મારવાની મેહનતથી છૂટકારો મળવાની ખુશીથી ઘરની સ્ત્રીઓ મનમાં મલકાતી.વાસણ કાળા ના કરવાની મારી આ નવી ખાસિયતથી ગેસ સ્ટવ જેટલો મારો માન મરતબો ઘરમાં જળવાતો.સમાજ માં હવે મારો મોભો હતો.સમયનો બચાવ થતો.હું અને પરીવાર બધા ખુશ રેહતા.

ધીમે ધીમે સમય બદલાતો ગયો. મારુ સ્થાન બદલાતુ ગયુ. હવે મારી જગ્યા ગેસ સ્ટવે લીધી.હું ઘરના ભંગારમાં પડ્યો રેહતો.મારી ઉપોયીગીતા હવે નહીવત હતી.ધીમે ધીમે હું કટાતો ગયો. તુટતો ગયો.ભાંગી ગયો અને અંતે એક દિવસ ભંગારની લારીમાં મને ત્યજી દેવામાં આવ્યો.હું ખુશ હતો. મારુ સ્થાન હવે વધુ સવલતવાળા, સમય બચાવવા વાળા ગેસ સ્ટવે લીધુ હતુ. ઘરની સ્ત્રીઓની મેહનત અડધી થઈ ગઈ હતી. લાઈટરના એક તીખારે ચાલુ અને નોપના એક ઈશારે બંધ થઈ જતો ગેસ સ્ટવ હવે દરેક ઘરનુ અભિન્ન અંગ થઈ ચુક્યો હતો.એમાં પણ કેટકેટલા બદલાવ આવતા રહ્યા.માઈક્રોવેવ અવન, ઈલેક્ટ્રિક ઈન્ડેક્સ ચૂલા જેવા અવનવા ઉપકરણોએ સવારમાં પંપ મારતી એ આખી જનરેશનની સહવલતનો પર્યાય બની ચુકી હતી. હું ખુશ હતો મારા પુરોગામી અને મારાથી પણ ચડીયાતુ કામ કરી મારા અનુગામીઓ લોકપ્રિયતા પામ્યા હતા…..!! ☺☺

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s