* કોરોના, સિવીલ, હું અને માનવી

* કોરોના, સિવીલ, હું અને માનવીય સંવેદનાઓ. … આમતો મને સામાન્ય તાવથી લઈ કોરોના પોઝેટીવ થયા સુધી પછી સિવીલની ટ્રીટમેન્ટ ત્યાં અપાતી સગવડો મારા અનુભવો વિશે વિસ્તારથી અંહિ લખી ચુક્યો છું.બીજુ ઘણુ લખવુ હતુ પણ લેખની વિસ્તરતી લંબાઈ જોઈ મુખ્ય મુદ્દાઓ જ એમા આવર્યા હતા.હવે વાત ટ્રીટમેન્ટ કે કોરોનાને લગતી નહી પણ ત્યાં જોયેલી, નિરીક્ષણ કરેલી માનવીય સંવેદનાઓની કરવી છે.ઘણા દિવસથી મુંઝવણમાં હતો કે આટલો સમય થઈ ગયો છે તો આ બાબતે લખુ કે ના લખુ. અંતે નક્કિ કર્યુ લખવુ છે. તો વાત જરા લંબાય તો માફ કરશો.*

શરુઆતમાં મારો રીપોર્ટ નહતો આવ્યો ત્યાં સુધી મને બીજા એક સસ્પેક્ટેડ દર્દીઓના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.જ્યાં એ દિવસે મારી સાથે સવાર, બપોર અને સાંજ સુધી ટોટલ અમે આઠ જણા દાખલ થયા હતા અને બીજે દિવસે બદકિસ્મતીથી અમે એ આઠે આઠ જણાનો રીપોર્ટ પોઝેટીવ આવતા અમને કોરોના પોઝેટીવ વોર્ડમાં શીફ્ટ કરવામાં આવ્યા.*

કોરોના પોઝેટીવ વોર્ડમાં ટોટલ બત્રીસ બેડ હતા. ત્યાં વોર્ડની વચ્ચે ત્રણેક ફૂટનુ પાર્ટીશન કરી વોર્ડને સોળ સોળ બેડમાં ડિવાઈડ કરવામાં આવ્યા હતા.એમાં આઠ બેડ ઓક્સિજન કનેક્શન અને આઠ નોર્મલ એમ બે ભાગ પાડવામાં હતા.ત્યાં અમે લગભગ ત્રીસેક જણા એડમીટ હતા. એમા અમે માત્ર ત્રણ કે ચાર જણ ચાલીસ કે ત્રીસની ઉંમરની અંદર હતા. મોટેભાગે બધા ઉમરલાયક વડીલો જ હતા.જેમા ઘણાખરા બિમારી વાળા હોવાથી ઓક્સિજન પર હતા.બાકી હેલ્ધી હતા એમને નોર્મલ બેડ પર રાખવામાં આવ્યા હતા.*

મારી બાજુના બેડ પર એક ઉંમરલાયક સીંધી કાકા હતા. એમને મારી પાસે આવી એક સાદા કિપેડ વાળા ફોન પર વિનંતીના સુરમાં ફોન લાગાવી એમના ઘરે ફોન લગાવી આપવાનુ કહ્યું.મને થોડો અણગમો થયો.તો પણ મેં ફોન લગાવી આપ્યો.પછી હું મારા મોબાઈલમાં પોરવાઈ ગયો. કાકા થોડા ગભરાયેલા અને રડમસ જેવા લાગ્યા.પણ મેં બહુ ધ્યાન આપ્યુ નહી.બીજે દિવસે ફરી કાકાએ મને ફરી ફોન લગાવી આપવા કહ્યું. મેં ફોન જોડી આપ્યો એટલે કાકાએ થોડી વાત કરી ફોન મને આપ્યો. મેં આશ્ચર્ય ભાવે ફોન લઈ વાત કરવાની શરુઆત કરી.સામે છેડે એમના ધરમપત્નીએ વાત શરુ કરી.*

મેં કહ્યું કે બોલો આન્ટી તો એમને કહ્યુ કે “પ્લીઝ કાકાનુ ધ્યાન રાખજો. એમને ડાયાબિટીસ છે એટલે સાંજે એમને બહુ ભૂખ લાગી હતી અને ત્યાં એકલા હોવાથી એ બહુજ ગભરાઇ ગયેલા છે.એ કોઈ દિવસ ક્યાંય એકલા નિકળ્યા નથી.અને ઘરે પણ સંતાનમાં અમારે એકમાત્ર પરણીત દિકરી જ છે.એટલે અત્યારે મારા સિવાય એમનુ કોઈ નથી.તમે બાજુમાં છો તો એમને થોડી હિમ્મત બંધાવજો.એમના ખાવા પીવાનુ ધ્યાન આપજો.દવાઓ લે છે કે નહી એ પરા જરા જોજો. ફોનની રીંગ પણ ધીમી છે એટલે એમને સંભળાતી નથી તો એ ઉપાડતા નથી.ત્યારે મારો જીવ બહુ ગભરાય છે.” મેં એમને મારો નંબર આપતા કહ્યું કે એવુ લાગે તો મને કોલ કરજો.એમને રડતા રડતા ક્હ્યુ “ભગવાન તમારુ ભલુ કરશે.મારા અંતરથી તમને આશીર્વાદ છે.” અને એ શબ્દો સાંભળી શરુઆતમાં માત્ર ફોન લગાવી દેવા જેવી ક્ષુલ્લક બાબતમાં મેં દર્શાવેલા અણગમા માટે મને ભારોભાર મારી જાત પ્રત્યે તીરસ્કાર થયો અને આન્ટીના આશીર્વાદ સાંભળી આંખ માંથી આંસુઓની ધાર સાથે મને મારુ ઘર યાદ આવી ગયુ. ધીરે ધીરે હું અને કાકા મિત્રો બન્યા.અમે વાતો કરતા, હસતા બોલતા એકબીજાના ઘર પરિવાર, ધંધા રોજગારની વાતો કરતા.એમની દિકરી મને વિડીયો કોલ કરી એમના પપ્પાને જોવાની ઈચ્છા વ્યક્ત કરતી. બાપ દિકરી સીંધી ભાષામાં વાતો કરતા.વાત કરતા કરતા કાકાની આંખના ખુણા ભીના થતા ત્યારે બાપ દિકરીની એ પરસ્પરની લાગણી અને પ્રેમની સરવાણી ઠેઠે મને પણ ભાષાના બાધને પાર કરી ભીંજવી જતી.કાકાની દિકરી મને ભાઈ કહી એટલા આશીર્વાદ આપી જતી કે હું ગળે ડૂમો બાઝી જતા સામે એક શબ્દ પણના બોલી શકતો.એ જ્યારે ફોન કરે ત્યારે પુછતી “મારા પપ્પાને કંઈ થશે તો નહી ને? ” અને હું સ્તબ્ધ થઈ જતો. સ્વસ્થતા જાળવી એમને ભરપૂર હિમ્મત બંધાવતો. જ્યારે ખુદ હું પણ નહતો જાણતો કે હું બચીશ કે નહી.

* હું સૌથી છેલ્લા બેડ પર હતો. સૌથી પેહલા બેડ પર એક એકવડીયા બાંધાના પચાસ પંચાવન વર્ષના એક બીજા કાકા હતા.એમના ઘરેથી હંમેશા ફોન આવતા.કાકાનો અવાજ મોટો અને વોર્ડમાં કોઈની ચહલ પહલ ના હોવાથી એકદમ શાંત વાતવરણ રેહતુ. જેના કારણે કાકાની ફોન પરની વાતો અમે બધા સાંભળી શકતા.કાકા હંમેશા ફોન પર એનર્જી સાથે ઘરના સભ્યોને કેહતા કે “બેટા મને અંહિ બહુ સારુ રાખે છે,બેટા મે જમી લીધુ તમે લોકો જમ્યા કે નહી?,બેટા મેં નાસ્તો કરી લીધો. બેટા તુ ચીંતા ના કરતો હું મજામાં છું.બેટા તુ ઘરનુ ધ્યાન રાખજે. બેટા મને કંઈ નહી થાય.” આખો દિવસ આટલો ઉત્સાહ અને એનર્જી વાળા કાકાના રાત્રે ડૂસકા મારી સહીત આખુ વોર્ડ સાંભળતુ.કદાચ એમને ઘરની યાદ આવતી હશે.ત્યારે હું પણ મનોમન મ્મમી અને એકતાને યાદ કરી પડખુ ફરી સુઈ જતો.

* પાર્ટીશનની સામેની બાજુ ઓક્સિજન નોઝલ વાળી બેડ લાઈનમાં બીજા નંબરના બેડ પર એક સાંઈઠેક વર્ષના કાકા ભારે શરીર સાથે દાખલ થયેલા.કદાચ એમને ત્યાં રેહવુ નહતુ. એ કોઈપણ રીતે સ્ટાફને સહકાર આપતા નહી. ના ઈન્જેક્શન આપવા દે. ના દવા લે. બાટલો પણ ચઢાવવાની ના પાડે.નાહવા પણ ના જાય. ખાય પણ નહી. આખી રાત કણસે. બૂમો પાડે. ગાળો બોલે.નર્સો અને સ્ટાફ એમને સમજાવીને પરાણે જમાડે. દવા આપે. એકવાર તો બેડ પર આડશ કરી નર્સો અને બીજા સ્ટાફે કાકાને નહવડાવ્યા.મને દવા આપતા આપતા નર્સે કાકાના ઘરે ફોન લગાવ્યો કે અમે તમને અંહિ પુરા સિક્યોર કરીને વોર્ડમાં લઈ જઈશુ.તમે ફક્ત એકવાર એમને મળી જાવ એટલે કાકને ધરપત રહે અને એ જમવાનુ ચાલુ રાખે. સામે છેડેથી પેહલા જવાબ આવ્યો કે નોકરીને કારણે સમય નથી, પછી કહે કે દૂર પડી જાય.એમના પરીવારે કાકને મળવમાં કોઈ દિલચસ્પી ના દાખવી નર્સે રીતસરના વિનંતીના સુરમાં ઘણીવાર સુધી કાકાને મળી જવાની આજીજી કરી પણ નર્સની વાતો પરથી લાગ્યુ નહી કે એને સફળતા મળી હોય. હું હતો ત્યાં સુધી તો કાકાને કોઈ મળવા આવ્યુ નહી પણ મારા ગયા પછી આવ્યા હોય તો ખબર નહી. *

સામેના બેડ પર એક સાઈંઠ પાંસઠ વર્ષના શારીરક રીતે ખડતલ કાકા હતા. હંમેશા મોજમાં રેહવા વાળા. બહું ઓછુ બોલે. પણ એમના ચેહરાનુ નુર અને એમનો પોઝેટીવ એટીટ્યુડ જોઈને જ એમની જીવવાની તીવ્ર જીજીવિષા વર્તાય આવતી.એમની સાથે લાવેલા પેપરના એક પાનાને રોજ વાંચતા. અમારી કરતા પણ વધારે ખાતા. એમને જોઈને જ અંદરથી એક હિમ્મતનો સંચાર થતો. અમારુ આઠ જણનુ એક ગ્રુપ થઈ ગયુ હતુ. અમે બહુજ વાતો કરતા. જમ્યા પછી વોર્ડમાં જ બધા લટાર મારતા.એકબીજાને પ્રોત્સાહીત કરતા. રજા મળે એ દિવસે જ હોસ્પિટલથી જ ગાડી ભાડે કરી રાયપુરના ભજીયા અને દાલ પકવાન ખાવા જવાની વાતો કરી ખૂબ હસતા. * અંતે રજા આપવાનો દિવસ આવી ગયો. અમારા આઠ જણને એકજ દિવસે રજા આપવામાં આવી. અમે બધા ખુશ હતા. પણ સીંધી કાકા ઉદાસ હતા કેમકે એમને હજી ત્યાં રેહવાનુ હતુ.એમના ચેહરા પર સ્પષ્ટ વર્તાતુ હતુ કે એમને પાછા એકલા પડી ગયાની પીડા હતી.એ મારી પાસે આવીને કહ્યું ” તુ આજે જાય છે. હવે મારુ શુ થશે? અંહિ મારુ કોણ? ” એમ કેહતા કેહતા એ રડી પડ્યા. મારી આંખમાં પણ આંસુ હતા. મેં એમને હિમ્મત બંધાવી અને કહ્યું કે કંઈપણ કામ હોય તો મને કોલ કરજો. એમના ઘરે પણ મેં ફોન કરી કંઈપણ કામ હોય તો જાણ કરાવા કંહ્યુ. અમે આઠે જણાએ એકબીજાના ફોન નંબર એક્સચેન્જ કર્યા. એ પછી હું ઘરે આવી ગયો.ત્રીજા દિવસે સવારે કાકાના ઘરેથી ફોન આવ્યો કે કાકને પણ રજા આપી દેવામાં આવી છે. હું ખુશ હતો. એકબીજાના ઘરે આવવાનુ આમંત્રણ આપી મેં ફોન મુક્યો…..!

(આજે પણ અમે ફોનથી એકબીજાના કોન્ટેક્ટમાં છીએ. અને કોરોના વોરિયર્સ નામનુ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યુ છે. 😊😊)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s